કોલંબો: શ્રીલંકાની સંસદે આજે નવા PM મહિન્દ્રા રાજપક્ષેની સરકાર વિરુદ્ધ મતદાન કરીને ઐતિહાસિક ફેસલો આપ્યો. જેના કારણે રાષ્ટ્રપતિ મૈત્રીપાલા સિરિસેનાને જબરદસ્ત ઝટકો લાગ્યો છે. સદનના સ્પીકર કારુ જયસૂર્યાએ જાહેરાત કરી કે સંસદે વડાપ્રધાન રાજપક્ષે વિરુદ્ધ અવિશ્વાસના પ્રસ્તાવને મંજૂરી આપી છે. જયસૂર્યાએ રાજપક્ષે સમર્થકોના વિરોધ વચ્ચે જાહેરાત કરતા કહ્યું કે 'હું સ્વીકારું છું કે સરકારને બહુમત નથી.'


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ અગાઉ મંગળવારની રાતે જ શ્રીલંકાના રાષ્ટ્રપતિ મૈત્રીપાલા સિરિસેનાને તે સમયે પણ મોટો આંચકો મળ્યો હતો જ્યારે સુપ્રીમ કોર્ટે સંસદ ભંગ કરવાના તેમના વિવાદાસ્પદ ફેસલાને પલટીને પાંચ જાન્યુઆરીની પ્રસ્તાવિત વચગાળાની ચૂંટણીની તૈયારીઓ પર પૂર્ણ વિરામ મૂકી દીધુ હતું. જેના કારણે શ્રીલંકન વડાપ્રધાન રાનિલ વિક્રમાસિંઘેને જબરદસ્ત સપોર્ટ મળ્યો. 


ચીફ જસ્ટિસ નલિન પેરેરાની અધ્યક્ષતામાં સુપ્રીમ કોર્ટની 3 સભ્યોની એક પેનલે સંસદ ભંગ કરવાના સિરિસેનાના 9 નવેમ્બરના ફેસલા વિરુદ્ધ દાખલ થયેલી લગભગ 13 અને તેના પક્ષમાં દાખલ 5 અરજીઓ પર બે દિવસની કોર્ટ કાર્યવાહી બાદ આ વ્યવસ્થા આપી હતી. રાષ્ટ્રપતિએ વિવાદાસ્પદ પગલું ઉઠાવતા કાર્યકાળ પૂરો થયાના લગભગ 2 વર્ષ પહેલા જ સંસદ ભંગ કરી નાખી. 


સુપ્રીમ કોર્ટે કહ્યું કે સંસદ ભંગ કરવાના સિરિસેનાનો ફેસલો સાત ડિસેમ્બર સુધી પેન્ડિંગ રહેશે અને કોર્ટ આગામી મહિને કોઈ અંતિમ વ્યવસ્થા આપતા અગાઉ રાષ્ટ્રપતિના ફેસલા  સંલગ્ન તમામ અરજીઓ પર વિચાર કરશે. 


સુપ્રીમ કોર્ટના ચુકાદાનો અર્થ એ રહ્યો કે સંસદ બોલાવી શકાય છે અને 225 સભ્યોવાળી સંસદમાં રાષ્ટ્રપતિ દ્વારા નિયુક્ત વડાપ્રધાન મહિન્દ્રા રાજપક્ષે પાસે બહુમત છે કે નહીં તે અંગે શક્તિ પરિક્ષણ કરાવી શકાય છે. કોર્ટના ચુકાદા બાદ સંસદ અધ્યક્ષ કારુ જયસૂર્યાએ બુધવારે સંસદનું સત્ર બોલાવ્યું હતું.